‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોડ્યૂસર અસિત મોદી શૂટિંગ અટકાવવા કર્યો ઇનકાર
કોરોનાવાઈરસને કારણે મુંબઈમાં બોલિવૂડ ફિલ્મ્સ તથા ટીવી શોનું શૂટિંગ 31 માર્ચ સુધી કેન્સલ કરી દેવામાં આવ્યું છે. જોકે, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોડ્યૂસર અસિત મોદી શૂટિંગ અટકાવવા માટે તૈયાર નથી. તેમણે એક ટ્વીટ કરીને મહારાષ્ટ્ર સરકારને શૂટિંગ ચાલુ રાખવાની અપીલ કરી છે. અસિત મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું, અમને મળેલા સકર્યુલરમાં કોઈ સ્પષ્ટતા થતી નથી. અચાનક ફિલ્મસિટીમાં અમને શૂટિંગ કરવાની ના પાડી દેવામાં આવી. અમે સેટ પર સ્વચ્છતા બનાવી રાખીને તમામ સૂચનાઓનું પાલન કરી રહ્યાં છીએ. નાના યુનિટમાં કામ કરીએ છીએ. કાલ સુધી શૂટિંગની પરવાનગી આપવામાં આવે.
શૂટિંગ ચાલુ રાખવાની વાત પર સોશિયલ મીડિયા યુઝર્સે અસિત મોદીને સલાહ આપી હતી. યુઝર્સે કહ્યું હતું, સર, પહેલાં પોતાના સાથીઓનું ધ્યાન રાખો, શૂટિંગ તો ચાલતુ રહેશે. જો શક્ય હોય તો તેમને રજા આપી દો. કારણ કે સેટ સુધી પહોંચવા માટે ક્રૂ મેમ્બર્સે અનેક ટ્રાન્સપોર્ટ માધ્યમોનો ઉપયોગ કરવો પડે છે. અન્ય એક ચાહકે અસિત મોદીની ટીકા કરતાં કહ્યું હતું કે, પૈસા સૌથી મોટા? તમારી પાસેથી આવી અપેક્ષા નહોતી. જે લોકો એમ કહે છે કે આ શોને મિસ કરશે તો તેઓ જૂના એપિસોડ્સ જોઈ શકે છે. હાલના એપિસોડ્સ કરતાં તે વધુ ફની અને એન્ટરટેઈનિંગ છે.
હાલમાં તો ‘તારક મહેતા..’ની ટીમ શૂટિંગ કરી રહી છે અને મને ખ્યાલ નથી કે 19 માર્ચ પછી શું થશે. બની શકે કે 19 માર્ચ પછી બધું પહેલાં જેવું થઈ જાય અને અમે શૂટિંગ ચાલુ રાખી શકીએ. જો શૂટિંગ ના થયું તો બ્રોડકાસ્ટર્સ શું બતાવશે? અત્યાર સુધી અમને આ અંગે કંઈ જ જણાવવામાં આવ્યું નથી.