બોલિવૂડ સિંગર કનિકા કપૂરના પોઝિટીવ રિપોર્ટે તંત્રને લગાડ્યું ધંધે
બોલિવૂડ સિંગર કનિકા કપૂરના કોરોના પોઝિટીવ આવ્યા બાદ તેના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરવા માટે સ્વાસ્થ્ય વિભાગ સતત અને આકરી મહેનત કરી રહ્યું છે. સ્થાનિક તંત્ર અને યુપીના સ્વાસ્થ્ય વિભાગે 100થી વધુ ટીમ બનાવી છે. લગભગ 1,000 સદસ્યો વાળી આ ટીમોનું કામ છે કે તે આ વાતની તપાસ કરે કે 11 માર્ચ બાદ કનિકા કોના-કોના સંપર્કમાં આવી હતી. ટીમ હવે એવા દરેક વ્યક્તિની તપાસ કરી રહી છે.
જે પાર્ટીઓમાં કનિકા ગઈ ત્યાં હાજર લોકોની અને કનિકાના સંપર્કમાં આવેલ લોકોની સ્વાસ્થ્ય ટીમે શોધ શરૂ કરી છે. આ સિવાય કનિકાના ઘરની નજીક રહેનારા લોકો અને કનિકાની હાજરીમાં ત્યાં આવેલ લોકોની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન જે પણ વ્યક્તિ સ્કેનિંગમાં અવરોધ ઉભો કરશે અથવા તો ટીમને સહયોગ નહીં કરે તેની સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે એવી માહિતી પણ મળી છે.
મીડિયા રિપોર્ટ મુજબ શનિવારે ટીમે કનિકાની ઘરની નજીક રહેતા લગભગ 22,000 લોકોનું સ્કેનિંગ કર્યું. ઉપરાંત પાર્ટીનું આયોજન કરનાર આદિલ અહમદ અને અદીશ સેઠના ઘરને સેનેટાઇઝ કરવામાં આવ્યું છે. સાથે જ ત્યાં રહેતા લોકોને કહેવામાં આવ્યું કે આગામી 48 કલાક સુધી ન તો ઘરની બહાર નીકળે અને ન તો કોઈને અંદર આવવા દે. આ સિવાય એક્સપર્ટની એક ટીમ એ હોટલના સીસીટીવી ફુટેજ પણ ચેક કરી રહી છે. જ્યાં કનિકા 14થી 16 માર્ચ વચ્ચે રોકાઈ હતી.