સલમાન ખાને ફિલ્મ ઉદ્યોગના રોજિંદા મજૂરોને પૈસાની સહાય આપવાનો કર્યો નિર્ણય
કોરોના વાયરસ સામે લડવા PM મોદીએ લોકોને સહાય માટે મદદ માંગી છે. આવી સ્થિતિમાં સલમાન ખાને ફિલ્મ ઉદ્યોગના રોજિંદા મજૂરોને પૈસાની સહાય આપવાનો નિર્ણય કર્યો છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયન સીન એમ્પ્લોઇઝ (એફડબ્લ્યુઆઈસી)ના અનુસાર સલમાન ખાને ઈન્ડસ્ટ્રીના 25,000 દૈનિક વેતન મજૂરને આર્થિક મદદ કરવાની ખાતરી આપી છે. આ પહેલા લોકો સલમાનને ટ્રોલ કરી રહ્યા હતા કે કેમ કઈ મદદ નથી કરતો. તો એવા લોકોને સલમાન ખાનનો આ જવાબ છે.
વડાપ્રધાને ભારતમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. જેમાં રોજિંદા મજૂરોને તેમની આજીવિકાની ચિંતા થઈ રહી છે. આવી સ્થિતિમાં બોલિવૂડના તમામ સ્ટાર્સ પોતાની રીતે મદદ કરી રહ્યા છે. હવે સલમાન ખાને તેના એનજીઓ બીઇંગ હ્યુમન દ્વારા આ કામ કરવાનું નક્કી કર્યું છે. એફડબ્લ્યુઆઈસીના પ્રમુખ બી.એન. તિવારીએ કહ્યું કે, સલમાન ખાન તેમના એનજીઓ બીઇંગ હ્યુમન દ્વારા તેમની સંસ્થા સુધી પહોંચ્યો અને કામદારો માટે મદદનો હાથ આગળ કર્યો છે.
તેમણે કહ્યું કે, સલમાન ખાનનું બીઇંગ હ્યુમન ફાઉન્ડેશન દૈનિક વેતન મજૂરોની મદદ માટે આગળ આવ્યું છે. તેણે ત્રણ દિવસ પહેલા અમને બોલાવ્યા હતા. અમારી પાસે 5 લાખ મજૂર છે, જેમાંથી 25000 લોકોને આર્થિક મદદની ખૂબ જ જરૂર છે. બીઇંગ હ્યુમન ફાઉન્ડેશને કહ્યું કે, તેઓ તે બધા કામદારોની સંભાળ લેશે. તેઓએ આ 25000 મજૂરોની ખાતાની વિગતો માંગી છે, કારણ કે તેઓ ઇચ્છે છે કે પૈસા સીધે-સીધા મજૂરો સુધી પહોંચે.