એક્ટર એજાઝ ખાનની મુંબઈ પોલીસે કરી ધરપકડ
એક્ટર એજાઝ ખાન પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતો છે, પરંતુ આ વખતે તેનું ભડકાઉ ભાષણ તેના પર ભારે પડ્યું છે, કારણ કે મુંબઈ પોલીસે તેની શનિવારનાં ધરપકડ કરી છે. એજાઝ ખાનની વિરુદ્ધ ખાર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 153A, 117, 121, 188, 501, 504, 505 (2) અંતર્ગત કેસ નોંધાયા છે.
ઉલ્લેખનીય છે કે ગુરુવારનાં એજાઝ ખાને એક ફેસબૂક લાઇવ કર્યું હતુ. આ વિડીયોમાં તેણે અનેક સાંપ્રદાયિક વાતો કહી હતી અને ભાવનાઓને ભડકાવવાનું કામ કર્યું હતુ. એજાઝ ખાને વિડીયોમાં કહ્યું હતુ કે, “કીડી મરી જાય મુસલમાન જવાબદાર, હાથી મરી જાય મુસલમાન જવાબદાર, દિલ્હીમાં ભૂકંપ આવી જાય મુસલમાન જવાબદાર, પરંતુ ક્યારેય તમે વિચાર્યું છે કે આની પાછળ કોનું ષડયંત્ર હોય છે?”
આ ઉપરાંત એજાઝ ખાને ત્યાં સુધી કહી દીધું કે જે લોકો આવા ષડયંત્ર કરે છે તેમને કોરોના થઈ જાય. એજાઝ ખાનનો વિવાદાસ્પદ વિડીયો ઘણો જ વાયરલ થયો હતો અને અનેક લોકોએ તેને ભડકાઉ નિવેદન આપવાને લઇને આડાહાથે લીધો હતો. સોશિયલ મીડિયા પર #ArrestAzazKhan ટ્રેન્ડ કરી રહ્યું હતુ. હવે મુંબઈ પોલીસે કેસની ગંભીરતા સમજતા એજાઝ ખાનની ધરપકડ કરી છે અને તેની પુછપરછ કરવામાં આવી રહી છે.