ભારતીય સરકાર વિરૂદ્ધ એલફેલ લખનાર આંતરરાષ્ટ્રીય અખબાર સામે ભાજપે કરી લાલ આંખ
એમેઝોનના ફાઉન્ડર અને સીઈઓ જેફ બેઝોસના અખબાર વોશિંગ્ટન પોસ્ટ મોદી સરકારની નીતિઓની વિરુદ્ધ લખતું રહ્યું છે. તેને કારણે ભારતના પ્રવાસે આવેલા બેઝોસને ભાજપની આલોચના વેઠવી પડી હતી. વિદેશોમાં ભાજપનું કામ જોનાર વિજય ચોથાઈવાલા અને વોશિંગ્ટન પોસ્ટના સિનિયર એડિટર એલી લોપેઝ વચ્ચે સોશિયલ મીડિયા પર ચર્ચા જામી હતી.
ચોથાઈવાલાએ ટ્વિટર પર લખ્યું કે મિસ્ટર જેફ બેઝોસ, વોશિંગ્ટનમાં તમારા કર્મચારીઓને સમજાવો. આની પર લોપેઝ જવાબ આપ્યો કે શું લખવું અને શું ન લખવું તે બેઝોસ જણાવતા નથી. સ્વતંત્ર પત્રકારત્વ સરકારોને રિઝવવા માટે નથી. અમારા પત્રકારો અને કોલમિસ્ટનું કામ ભારતીય લોકશાહીની પરંપરા અનુસાર હોય છે.
ચોથાઈવાલાએ કહ્યું હતું કે શું એ સાચું નથી કે તમારા ડેસ્ક એડિટરે ભારતીય કોલમિસ્ટની કોલમમાંથી પાકિસ્તાન વિરોધી વાતો હટાવી દીધી છે. તેમને જવાબ આપતા અખબારે લખ્યું કે આ સાચું નથી. અમે પાકિસ્તાનની આલોચના કરનાર ઘણા લેખો પ્રસિદ્ધ કર્યાં છે. કેટલાક લેખકોને પોતાના લેખો સંપાદિત થાય તે યોગ્ય લાગતું નથી. તેઓ તેને પડકાર માનતા નથી.
ચોથાઈવાલાએ લખ્યું કે તમે કહ્યું હતું કે વોશિંગ્ટન પોસ્ટે પાકિસ્તાનની સામે ઘણા લેખો પ્રસિદ્ધ કર્યાં છે. હું તમને યાદ અપાવા માગું છું કે ગત 60 દિવસોમાં તમે પાકિસ્તાનની સામે એક લેખ પણ છાપ્યો નથી. હું જો ખોટો હોઉં તો મને સાચો ઠેરવો. ભાજપના એક નેતાએ એવું કહ્યું કે બીજા કાર્યકાળમાં મોદી સરકારનું વલણ તદ્દન અલગ છે અને દુનિયાએ હવે ભારતની શરતો માનવી પડશે.