વુહાનમાંથી 324 ભારતીય વિદ્યાર્થીઓને ભારત પરત લવાયા, 14 દિવસ આઈસોલેશન સેન્ટરમાં રહેશે
કોરોનાગ્રસ્ત ચીનના વુહાનમાં ફસાયેલા 324 ભારતીય વિદ્યાર્થીઓ સહીસલામત ભારત પહોંચી ગયા છે. ૩૨૪ વિદ્યાર્થીઓને લઈને એર ઇન્ડિયાનું ડબલ ડેકર જમ્બો 747 વિમાન શનિવારે સવારે દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યું હતું. તેમાં 211 વિદ્યાર્થીઓ, 110 કામકાજી વ્યક્તિઓ અને ત્રણ સગીર સામેલ છે. આ તમામને છાવલા સ્થિત આઈટીબીબી સેન્ટર અને માનેસરમાં તૈયાર શિબિરમાં મોકલી દેવાયા છે. વુહાનથી દેશ પરત આવનાર ભારતીયોની તપાસ માટે એરપોર્ટ પર ડોક્ટરોની ટીમ તૈનાત કરી દેવામાં આવી.
વુહાનથી આવનાર લોકોને છાવલા સ્થિત આઈટીબીપીની હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં રખાયા છે. 14 દિવસ રાખવામાં આવ્યા બાદ તેમને ઘેર જવાની રજા અપાશે. 324 ભારતીય વિદ્યાર્થીઓ તો ભારત આવી ગયા છે પરંતુ હજુ પણ કેટલાક ભારતીય નાગરિકો વુહાનમાં ફસાયેલા છે તેને લેવા માટે એર ઇન્ડિયાનું બીજું એક વિમાન શનિવારે બપોરના વુહાન તરફ રવાના થયું હતું જેમાં ડોક્ટરોની એક ટીમ હતી. તેમજ પહેલી ફ્લાઇટમાં રામમનોહર લોહિયાના 5 ડોક્ટરો હાજર હતા. તેની સાથે એક પેરામેડિકલ સ્ટાફ, 5 કોકપિટ ક્રૂ મેમ્બર, કેબિન ક્રૂના 15 સભ્યો હાજર હતા.
કોરોના વાઇરસના વધુ બે સંદિગ્ધ કેસો સામે આવ્યા છે. આ બન્ને પીડિતોને દિલ્હીની રામમનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બન્ને પીડિતોના કેટલાક ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી ભારતમાં કોરોના વાઇરસના આઠ કેસો સામે આવ્યા છે. આ તમામ પીડિતો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે, તેમની તબિયત સારી છે.