કોરોના વાયરસથી ભારતની આ દવાની માંગમાં જબરો ઉછાળો

કોરોના વાઇરસનાં કારણે ચીનના દવા અને મોબાઇલ ફોન ઉદ્યોગોને લાગી ગયેલાં તાળાંને કારણે વસતીની દૃષ્ટિએ વિશ્વના બીજા નંબરના દેશ ભારતમાં વિપરીત અસરો જોવા મળી રહી છે. એક તરફ સમગ્ર વિશ્વ પર કોરોનાએ ભરડો લીધો છે ત્યારે ફાર્મા કંપનીઓએ માનવતા નેવે મૂકતા સારવાર માટે સૌથી વધુ વપરાશમાં લેવાતી એનાલ્જેસિક દવા પેરાસિટામોલની કિંમતોમાં ૪૦ ટકાનો વધારો થઇ ગયો છે.

 

વિવિધ પ્રકારના બેક્ટેરિયાના ચેપની સારવારમાં ઉપયોગમાં લેવાતી એન્ટિબાયોટિક અઝિથ્રોમાઇસિનની કિંમતમાં ૭૦ ટકા સુધીનો વધારો થયો છે. જો આગામી મહિનાના પહેલા સપ્તાહથી પુરવઠો સામાન્ય નહીં બને તો એપ્રિલ મહિનાથી ભારતમાં દવાઓની અછત સર્જાવાનો ભય તોળાઇ રહ્યો છે.

 

કોરોના વાઇરસના પ્રસાર બાદ ચીનમાં ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાતા વૈશ્વિક પુરવઠા સામે ગંભીર પડકારો સર્જાયા છે.રો મટિરિયલની મોટી આયાત પર નભતા ભારત જેવા દેશો હાલ અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે. દવાઓના રો મટિરિયલમાં અછતથી કિંમતોમાં વધારો નોંધાયો છે. આ વધારો મધ્યમગાળા સુધી જારી રહે તેવી સંભાવના છે.

 

ભારત વિશ્વમાં જેનરિક દવાઓ પૂરી પાડતો મોટો સપ્લાયર દેશ છે. પરંતુ તેના ૮૦ ટકા રો મટિરિયલ માટે ભારતીય ઉત્પાદકોએ ચીન પર આધાર રાખવો પડે છે. ચીનમાં ઉત્પાદન સ્થગિત થવાની અસર અન્ય સેક્ટરો પર પણ જોવા મળી રહી છે. ચીનમાં શટર ડાઉનના કારણે ભારતમાં મોબાઇલ ફોનના ઉત્પાદન પર પણ વિપરીત અસર થઇ છે. 

Find Out More:

Related Articles: