વેસ્ટ દિલ્હીના અમુક વિસ્તારોમાં હિંસાની અફવા ફેલાઈ, હવે શાંતિનો માહોલ
દિલ્હી નોર્થ-ઇસ્ટમાં હિંસા બાદ રાજધાનીમાં હવે શાંતિનો માહોલ જોવાઈ રહ્યો છે. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં હાલ સુરક્ષાદળના જવાનો તૈનાત છે. જો કે માહિતી મુજબ રવિવાર રાતે એક વાર ફરી અફવાઓનો માહોલ ગરમાયો હતો. પરંતુ પોલીસની સક્રિયતાના પગલે કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના ઘટી નહોતી. અફવા ફેલાવનાર લોકોની પોલીસે ધરપકડ પણ કરી હતી.
મીડિયા રિપોર્ટ મુજબ રવિવાર સાંજે સાઉથ અને વેસ્ટ દિલ્હીના અમુક વિસ્તારોમાં હિંસાની અફવા ફેલાઈ હતી. ત્યાર બાદ સાંજે લગભગ 7.53 વાગે ડીએમઆરસી તરફથી માહિતી આપવામાં આવી કે સુરક્ષા કારણોસર સાત મેટ્રો સ્ટેશન પર ચળવળ બંધ કરવામાં આવી છે. જો કે 24 મિનિટ બાદ વેસ્ટ દિલ્હી ડીસીપીએ કહ્યું કે આ અફવા છે. તેમણે ટ્વીટ કરી લખ્યું કે,‘અફવા સૌથી મોટી દુશ્મન છે. એક અફવા ફેલાઈ રહી છે કે પશ્ચિમ દિલ્હીના ખ્યાલા-રઘુબીર નગરમાં તણાવની સ્થિતિ છે. પરંતુ આ સાચું નથી. બધા લોકોને વિનંતી છે કે તેઓ શાંત રહે, માહોલ શાંત છે.’ પોલીસની આ સક્રિયતાના કારણે માત્ર 7 મિનિટ બાદ મેટ્રો પર ચળવળ શરૂ થઈ હતી.
રિપોર્ટ પ્રમાણે આ સાથે દિલ્હી પોલીસે લોકોને અપીલ પણ કરી કે અફવાઓ પર ધ્યાન ન આપે અને પોલીસ પર વિશ્વાસ દાખવે. દિલ્હી પોલીસ સોશિયલ મીડિયાની મોનિટરિંગ પણ સતત કરી રહી છે. તેથી અફવા ફેલાવનાર પર કડક કાર્યવાહી કરવામાં આવશે. દિલ્હીમાં હિંસા બાદ અફવાનો માહોલ ગરમાતા ડીસીપી નોર્થ દિલ્હી, ડીસીપી સાઉથ દિલ્હી, ડીસીપી વેસ્ટ દિલ્હી અને સ્પેશિયલ સેલે સોશિયલ મીડિયા સાથે માર્ગ પર પણ મોર્ચો સંભાળ્યો છે. મોડી રાત સુધી પોલીસ રસ્તાઓ પર પેટ્રોલિંગ કરી રહી છે.