લોકોની સાથે ભગવાનના નાણાં પણ ડુબ્યા, આ મંદિરને લાગ્યો ફટકો
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા યસ બેન્કમાં ખાતેદારોને નાણાં ઊપાડવા માટે રૂ.50,000ની મર્યાદા મૂકાતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે. લોકોને બેન્કના ખાતામાં પોતાના નાણાની ચિંતા સતાવી રહી છે ત્યારે મહાપ્રભુ શ્રી જગન્નાથજી પણ બેન્કમાં તેમના નાણાંની સલામતી અંગે ચિંતિત છે. યસ બેન્કમાં ભગવાન જગન્નાથજીના 545 કરોડ રૂપિયા જમા હોવાનું બહાર આવ્યું છે.
આરબીઆઈના નિયંત્રણો પછી હવે આટલા મોટા પ્રમાણમાં બેન્કમાંથી જમા રકમ કેવી રીતે કાઢવી તે અંગે પૂરીના જગન્નાથ મંદિરના પૂજારી અને ભક્તો ચિંતિત છે. ભક્તોએ આ બાબતમાં મુખ્યમંત્રી નવીન પટનાયકને હસ્તક્ષેપ કરીને આરબીઆઈ, નાણામંત્રી સિતારામન, વડાપ્રધાન મોદી સાથે ચર્ચા કરી ભગવાન જગન્નાથના 545 કરોડ રૂપિયાનો ઉદ્ધાર કરવાની માગ કરી છે.
મંદિરના સેવક વિનાયક દાસમહાપાત્રાએ કહ્યું કે આરબીઆઈ દ્વારા યસ બેન્ક પર પ્રતિબંધથી સેવક અને ભકતોને આશા બંધાઇ છે. તેમણે કહ્યું કે અમે એ લોકોની વિરૂદ્ધ તપાસની માંગણી કરી છે જેમણે થોડાંક વધુ વ્યાજની લાલચમાં ખાનગી સેકટરની બેન્કમાં આટલી મોટી રકમ જમા કરાવી છે.
મહાપ્રભુની આ રકમથી મંદિર ચાલે છે અને અિધકારીથી લઈને કર્મચારી સુધી બધાના પગાર થાય છે. એક પખવાડિયા પહેલાં જ મંદિર સંચાલનની સમિતિ બેઠકમાં યસ બેન્કમાં નાંણાં મૂકવા અંગે હોબાળો મચ્યો હતો. સંચાલન સમિતિએ આક્ષેપ કર્યો હતો કે અગાઉ રાષ્ટ્રીય બેન્કોમાં ભગવાન જગન્નાથનું ભંડોળ જમા થતું હતું, પરંતુ અગમ્ય કારણોસર યસ બેન્કમાં નાણાં જમા કરાવાયા હતા.