MPના રાજકારણમાં નવીજુનીના એંધાણ, CM કમલનાથે બોલાવી મીટિંગ
મધ્યપ્રદેશમાં રાજકીય સંકટ વધુ ઘેરું બન્યું છે. કોંગ્રેસનાં સીએમ કમલનાથ દ્વારા બોલાવવામાં આવેલી કેબિનેટની મિટિંગમાં અનેક પ્રધાનોએ રાજીનામાની અને કમલનાથ સરકારને સાથ આપવાની ઓફર કરી છે. કેબિનેટમાં પ્રધાનમંડળનું વિસ્તરણ કરવાનો મુદ્દો ચર્ચાયો હતો. કોંગ્રેસનાં ગુમ થયેલા ચાર ધારાસભ્યોનો હજી કોઈ પતો લાગ્યો નથી ત્યારે કમલનાથે અસંતોષ ઠારવા તમામ ધારાસભ્યોને ભોપાલ બોલાવ્યા છે. જેને લઇને મધ્યપ્રદેશના રાજકારણમાં ગરમાવો છે.
સીએમ કમલનાથે કહ્યું હતું કે અમારા નેતા બિકાઉ નથી તેઓ સિદ્ધાંત અને સેવાનું રાજકારણ રમે છે. કોંગ્રેસનાં ધારાસભ્ય હરદીપ સિંહ ડંગ દ્વારા રાજીનામું આપવામાં આવ્યા પછી સીએમ કમલનાથે તેમનાં તમામ પ્રવાસ રદ કર્યા છે અને ડેમેજ કન્ટ્રોલમાં લાગી ગયા છે. બિન સત્તાવાર અહેવાલો મુજબ એવું જાણવા મળે છે કે કમલનાથ દ્વારા શનિવારે જ કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે જેમાં બસપાનાં નારાજ ધારાસભ્ય રામબાઈ સહિત અન્ય નારાજ ધારાસભ્યોને પ્રધાન બનાવવામાં આવી શકે છે.
કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહ તત્કાળ ભોપાલ આવ્યા હતા અને એમપીની કોંગ્રેસ સરકારને કોઈ સંકટ નથી તેવી જાહેરાત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે સરકાર ૧૦૦ ટકા સુરક્ષિત છે. તેમણે કહ્યું કે ડંગનું રાજીનામું નથી પણ એક પ્રકારનું સ્ટેટમેન્ટ છે. કેબિનેટનું જલદી વિસ્તરણ કરાશે.
બીજી તરફ ભાજપ દ્વારા ભાવિ રણનીતિ ઘડવા દિલ્હીમાં બેઠક યોજાઈ હતી. જેમાં પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ તેમજ અન્ય નેતાઓ હાજર રહ્યા હતા.