કોરોનાના કહેર વચ્ચે GPSCનો મોટો નિર્ણય, એપ્રિલમાં લેવાનાર પરીક્ષા મોકૂફ
પીએમ મોદીએ કોરોના વાયરસને પગલે 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. જે બાદ ગુજરાતમાં લોકોએ કરિયાણું લેવા માટે પડાપડી કરી મૂકી છે. તો સાથે જ ગુજરાતમાં અગાઉથી જ લોકડાઉન જાહેર કરાયેલું છે. તેવામાં હવે 14 એપ્રિલ સુધી લોકડાઉન રહેશે. ત્યારે જીપીએસસી દ્વારા પણ પ્રિલિમ પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોના વાયરસના પોઝિટિવ કિસ્સાઓ વધી રહ્યા છે. આજે કોરોના વાયરસના 35 પોઝિટિવ કિસ્સા નોંધાઈ ચૂક્યા છે. ત્યારે વધતાં જતાં કોરોનો પોઝિટિવ કિસ્સાઓને જોતાં આગામી સમયમાં લેવાનારા જીપીએસસીની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 29-3-2020 અને 12-4-2020 ના રોજ લેવાનારી પ્રીલીમ પરીક્ષા મોકુફ રખાઈ છે.
ગુજરાતમાં સાંજે રાજકોટમાંથી બે વ્યક્તિઓનાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. તે અગાઉ સવારે કુલ 33 કોરોના પોઝિટિવ કેસ હતા. અગાઉ શિક્ષણ વિભાગ દ્વારા પણ ધોરણ 1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અને તમામ શાળાઓને પણ બંધ રાખવાનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનિય છેકે ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોના સંક્રમણનો વ્યાપ વધતો જઈ રહ્યો છે. સવારે ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 33 હતી. રાત્રે વધારે બીજા બે પોઝિટિવ કેસ નોંધાતા હવે કોરોના પોઝિટિવનો આંકડો 35 થઈ ગયો છે.