મોદી સરકારના આ નિર્ણયથી 80 કરોડ પરિવારને થશે ફાયદો
દેશના 21 દિવસના લોકડાઉનના નિર્ણય બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં કેબિનેટે 80 કરોડ લોકોને સસ્તા દરે અનાજ આપવાનો નિર્ણય કર્યો છે. કેબિનેટ બેઠક બાદ કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે સરકારે 80 કરોડ લોકોને 27 રૂપિયા કિલોગ્રામવાળા ઘઉં માત્ર 2 રૂપિયે પ્રતિ કિલોગ્રામમાં અને 37 રૂપિયે કિલોગ્રામવાળા ચોખા 3 રૂપિયે પ્રતિ કિલોગ્રામ આપવાનો નિર્ણય કર્યો છે.
પ્રકાશ જાવડેકરે કહ્યું કે, “સરકાર પીડીએસનાં દ્વારા દેશનાં 80 કરોડ લોકોની મદદ કરશે. કોઈપણ જરૂરી સામાનની ઉણપ નહીં થવા દઇએ. રાજ્ય સરકારો પણ લોકોની મદદ કરી રહી છે. જીવ બચાવવા માટે લોકડાઉનની જરૂર છે. ત્રણ મહિનાનું રાશન આપવામાં આવશે. લોકોને જરૂરી ચીજો મળતી રહેશે. અફવાઓથી બચવાની જરૂર છે.” આ પહેલા ઉપભોક્તા મામલાઓનાં મંત્રી રામવિલાસ પાસવાને બુધવારનાં કહ્યું કે, “75 કરોડ બેનિફિશિયરી પબ્લિક ડિસ્ટ્રીબ્યૂશન લિસ્ટ અંતર્ગત એકવારમાં 6 મહિનાનું રાશન લઇ શકે છે. સરકારે આ નિર્ણય કોરોનાને ધ્યાને લેતા લીધો છે. સરકાર પાસે 435 લાખ ટન સરપ્લસ અનાજ છે. આમાં 272.19 લાખ ટન ચોખા, 162.79 લાખ ટન ઘઉં છે.”
ઉલ્લેખનીય છે કે સરકાર પીડીએસ સિસ્ટમ અંતર્ગત દેશભરની 5 લાખ રાશનની દુકાનો પર બેનિફિશિયરીને 5 કિલોગ્રામ સબ્સીડાઇઝ્ડ અનાજ દર મહિને આપે છે. આના પર સરકારને વાર્ષિક 1.4 લાખ કરોડ રૂપિયા ખર્ચ થાય છે. નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત રાશન દુકાનો દ્વારા સબ્સિડાઇઝ્ડ રેટ પર મળે છે. 3 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ચોખા, 2 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઘઉં અને 1 રૂપિયા પ્રતિ કિલોગ્રામ કૉર્સ અનાજ વેચે છે.