ખેડુતો આનંદો!!! કોરોના કહેર વચ્ચે ખેડુતો માટે આવ્યા સારા સમાચાર
કોરોના વાયરસે આખી દુનિયા પર પોતાનો કહેર વર્તાવ્યો છે. કોરોના વાયરસનાં કારણે વિશ્વનાં 196 જેટલા દેશોમાં ફેલાયો છે, ત્યારે કોરોના વાયરસે ભારતને પણ છોડયો નથી. ભારતમા હાલ 21 દિવસ માટે સરકારે લોકડાઉન લાદી દીધુ છે. કોરોના વાયરસના લીધે 21 દિવસના દેશવ્યાપી લોકડાઉન વચ્ચે સરકારે ખેડૂતો દ્વારા બેંકો પાસેથી લેવામાં આવેલી તમામ સુધીના ટૂંકા ગાળાની પાક લોનની ચૂકવણીની મુદત 31 મે સુધી વધારી દીધી છે. ટૂંકા ગાળાના પાક લોનની ચુકવણીની છેલ્લી તારીખ 31 માર્ચ છે, જેના આધારે સરકારને વ્યાજના દર પર બે ટકાની છૂટ આપવામાં આવે છે.
કેન્દ્રીય કૃષિ મંત્રાલયના ટ્વિટ મુજબ સરકારે બેંકો દ્વારા લેવાયેલી તમામ ટૂંકા ગાળાની પાકની લોન કે જે 1 માર્ચથી 31 મે, 2020 વચ્ચે લેવામાં આવી હોય તેની ચુકવણીની મુદત 31 મે 2020 સુંધી વધારવાનો નિર્ણય કર્યો છે.
હવે ખેડૂતો કોઈ શિક્ષાત્મક વ્યાજ વિના વાર્ષિક 4 ટકાના વ્યાજ પર 31 મે, 2020 સુધી લોન ચૂકવી શકશે. ખેડૂતોની આ સમસ્યા હલ કરવા માટે ભારત સરકારે બેંકોને 2% વ્યાજ માફી અને 3% તત્કાલ ચુકવણી પ્રોત્સાહનનો લાભ પણ 31 મે 2020 સુધી આપવાનો નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા પણ કોરોનાની મહામારી વચ્ચે સામાન્ય પ્રજાને EMI ભરવા માટે ત્રણ મહિનાની છૂટ આપવામાં આવી છે. એટલે કે હપ્તો ભરવામાંથી સાવ રાહત નહીં પરંતુ ત્રણ મહિનાના સમયગાળામાં નહીં ભરે તો ચાલશે, પાછળ ત્રણ મહિનાના હપ્તા લંબાવી દેવામાં આવશે.