હવે કોઇપણ લેબમાં થઇ શકશે કોરોના ટેસ્ટ ફ્રીમાં સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ
દેશમાં કોરોના વાયરસ મહામારીની વચ્ચે સુપ્રીમ કોર્ટે બુધવારનાં મોટો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે આદેશ આપ્યો છે કે માન્યતા પ્રાપ્ત અથવા પ્રાઇવેટ લેબમાં કોરોના વાયરસની તપાસ મફતમાં થશે. આ માટે અદાલતે કેન્દ્ર સરકારને કહ્યું છે કે તે માન્યતા પ્રાપ્ત તમામ લેબોને મફતમાં કોરોનાની તપાસનાં આદેશ આપે. કોરોના વાયરસની તપાસ સાથે જોડાયેલી એક અરજી પર આદેશ આપતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 2 અઠવાડિયામાં સોંગદનામું દાખલ કરવા કહ્યું છે.
સુપ્રીમ કોર્ટે સાથે જ એ પણ કહ્યું કે કોરોના વાયરસની તપાસ ફક્ત એ લેબ કરે જે NABL એટલે કે National Accreditation Board For Testing And Calibration Laboratoriesથી માન્યતા પ્રાપ્ત લેબો અથવા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અથવા ICMR (ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ)થી મંજૂરી પ્રાપ્ત કોઈ એજન્સી દ્વારા થવી જોઇએ.
સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં ખાનગી સંસ્થાઓ દ્વારા કોરોના પરીક્ષણ માટે મહત્તમ 4,500 રૂપિયા નક્કી કરવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ની સલાહને પડકાર આપવામાં આવ્યો હતો. અરજીમાં એ પણ નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી કે આવા તમામ પરીક્ષણ માન્યતા પ્રાપ્ત પેથોલોજિકલ લેબો દ્વારા કરાવવામાં આવે. મફતમાં ટેસ્ટની સલાહ આપતા અરજીકર્તાએ એ પણ દાવો કર્યો હતો કે પ્રાઇવેટ લેબોની ટેસ્ટિંગ ફીસ પર પડદો નાંખવો સંવિધાનનાં આદર્શો અને મૂલ્યોનું ઉલ્લંઘન કરે છે.