રેલ અને હવાઈ સેવા 3 મે બાદ શરૂ થશે નહીં, કેન્દ્ર સરકારનો નનૈયો
કેન્દ્ર સરકારે કોરોનાના કારણે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરવા માટે બનાવેલા ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની બેઠક મળી હતી. આ બેઠકમાં થયેલી ચર્ચા અંગે બહાર આવી રહેલા અહેવાલો પ્રમાણે લોકડાઉનનો બીજો તબક્કો 3 મેના રોજ પુરો થયા બાદ પણ તુરંત જ રેલવે અને હવાઈ સેવા શરુ કરવાના મૂડમાં સરકાર નથી.
બેઠકમાંથી પ્રાપ્ત થઈ રહેલી વિગતો પ્રમાણે લૉકડાઉનનો બીજો ફેઝ 3 મેએ સમાપ્ત થયા બાદ પણ રેલ અને હવાઈ સેવા શરૂ થવા જઈ રહી નથી. શનિવારે રક્ષા પ્રધાન રાજનાથ સિંહના નેતૃત્વમાં કોવિડ-19 માટે બનેલી GOMની પાંચમી બેઠકમાં આ વિષયો પર રિપોર્ટ તૈયાર કરીને વડાપ્રધાન મોદી પાસે મોકલવામાં આવ્યો હતો.
સૂત્રો પ્રમાણે તેમાં કહેવામાં આવ્યું છે કે રેલ અને હવાઈ સેવા 3 મે બાદ શરૂ થશે નહીં. ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની બેઠકમાં કહેવામાં આવ્યું છે કે આ વિશે સ્વાસ્થ્ય મંત્રાલયની સલાહ અને પીએમ મોદી દ્વારા સ્થિતિની સમીક્ષા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.
ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ આવી સ્થિતિમાં ટ્રેન શરૂ કરવાના પક્ષમાં નથી. મંત્રીઓનું માનવું છે કે, રેલગાડીઓમાં સોશિયલ ડિસ્ટેન્સિંગનો કડકથી અમલ સંભવ નથી. તેવી જ રીતે એર ઈન્ડિયા અને પ્રાઇવેટ એરલાઇન્સને પણ ત્રણ મે બાદ બુકિંગ ન કરવાનું કહેવામાં આવ્યું છે.