ધોરણ 12 સાયન્સનું 71.34 ટકા પરિણામ જાહેર, આ શહેરના વિદ્યાર્થીઓએ મારી બાજી
આજે ધોરણ-12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે. 12 સાયન્સનું 71.34 ટકા પરિણામ આવ્યું છે. જેમા છોકરાઓનું પરિણામ 71.69 અને છોકરીઓનું 70.85% રિઝલ્ટ આવ્યું છે. આ વર્ષે 84.69 ટકા પરિણામ સાથે રાજકોટ પ્રથમ નંબર પર છે. ધોરણ 12 સાયન્સમાં 1,16,643 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાં 83,111 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે 33,532 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. વિષયવાર પરિણામ જોવામાં આવે તો ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉર્દુ અને અરેબિકનું પરિણામ 100 ટકા આવ્યું છે. સૌથી ઓછું જ્યારે ફિઝિક્સનું 72.48 ટકા, કેમેસ્ટ્રીનું 72.36 ટકા અને બાયોલોજીનું 85.99% પરિણામ આવ્યું છે. અંગ્રેજીનું પરિણામ 98 ટકા આવ્યું છે.
ગત વર્ષની સરખામણીમાં અડધો ટકો પરિણામ ઓછું આવ્યું છે, ગત વર્ષે 71.83 ટકા હતું જ્યારે આ વર્ષે 71.69 ટકા છે. વિદ્યાર્થી પોતાના પરિણામ વિશે બોર્ડની વેબસાઈટ www.gseb.org પર જોઈ શકે છે. આ વખતે કોરોના કહેરના કારણે લોકલ સંક્રમણ ન વધે તે માટે પરિણામ માત્ર ઓનલાઈન જોવા મળશે. સ્કૂલમાંથી માર્કશીટ મેળવવા માટેની તારીખ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.
આ વર્ષે રાજ્યભરમાંથી ધોરણ-10 અને 12ના કુલ 17.60 વિદ્યાર્થીઓએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક શિક્ષણબોર્ડની પરીક્ષા આપી હતી. જેમા ધોરણ 12 સાયન્સના 1.40 લાખ જેટલા વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના કુલ 5.20 લાખ જેટલા વિદ્યાર્થીઓ હતા. રાજ્યના 56 ઝોન અને 653 કેન્દ્ર પર ધોરણ 12ની પરીક્ષા યોજાઈ હતી.